2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીઓ માર્યા ગયા
બીજા સૌથી મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં 13 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા
NCRBના 2020ના રિપોર્ટમાં ભારતમાં ગુનામાં ગુજરાત ટોચ પર છે
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કર્યા હતા. 2020-21માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે, ગુજરાતમાં સૌથી વધુ 17 આરોપીનાં પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે, એ પછી બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13 આરોપીનાં પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. વર્ષ 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીનાં મોત થયાં છે.
2019 પછી મોતની સંખ્યામાં વધારો થયો
સરકારના રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાતના પોલીસ કસ્ટડીમાં મોતના સાત કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે-તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે, જેની રકમ 24 લાખ થવા જાય છે. કેલેન્ડર વર્ષ 2018-19ના અરસામાં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછીના વર્ષ 2019-20માં 12 આરોપીનાં મોત થયાં હતાં, જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે.
ચાલુ વર્ષમાં જ ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ
30 નવેમ્બરે લોકસભામાં સમક્ષ રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કચ્છ પોલીસે 2 લોકોને પકડ્યા હતા. આ શંકાસ્પદોને ઘરફોડના કેસમાં માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ જેલમાં જ તેમનું મોત થયું હતું. આ પછી આ અંગે ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, સપ્ટેમ્બરમાં અરવલ્લી પોલીસે ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં એક યુવકને પકડી તેની પૂછપરછ કરી હતી. જોકે ત્યાર બાદ આ યુવકનો મૃતદેહ ઝાડમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ જ મહિને પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો હતો.
કયાં રાજ્યમાં કેટલાં મોત થયાં
મહારાષ્ટ્રમાં 13 આરોપીનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં 8-8 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. એ જ રીતે ઝારખંડ અને કર્ણાટકમાં પોલીસ કસ્ટડીમાં 5-5, ઓડિશામાં ચાર આરોપીનાં મોત થયાં છે. આંધ્રપ્રદેશમાં 3, બિહારમાં 3, અરુણાચલ પ્રદેશમાં 1, આસામમાં 1, હરિયાણામાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, કેરળમાં 1, મેઘાલયમાં 2, પંજાબમાં 2, રાજસ્થાનમાં 3, તામિલનાડુમાં 2, દિલ્હીમાં 4, છત્તીસગઢમાં 3, ઉત્તરાખંડમાં 1 અને તેલંગાણામાં કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું છે. દેશભરમાં વર્ષ 2018-19માં પોલીસ કસ્ટડીમાં 136, વર્ષ 2019-20માં 112 અને વર્ષ 2020-21ના સમયગાળામાં 100 આરોપીનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાં છે.
NCRBના રિપોર્ટમાં ગુજરાત ટોચના સ્થાને
લોક-અપમાં ત્રાસની ઘટનાઓ તેમ જ ન્યાયિક કસ્ટડી અથવા તો જેલમાં મૃત્યુના સંદર્ભમાં પણ રાજ્યની છબિ સારી નથી. નાણાકીય વર્ષ 2018-19 અને 2020-21ના સમયગાળામાં ગુજરાતની વિવિધ જેલમાં 202 મૃત્યુ થયાં હતાં. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયાં હતાં. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વગર રાખવામાં આવેલા 15 ટકા લોકોનાં મોત થયાં હતાં.