અમુક ઉમેદવારોને દોડ પૂરી કર્યા વગર જ સિલેક્ટ કરાયા હોવાની રજૂઆત
કેટલાક ઉમેદવારોએ નિયમ મુજબ દોડ લગાવી હોવા છતાંય રીજેક્ટ કરાયા
ઉમેદવારોએ લાગવગને લઈને રોષ ઠાલવ્યો
પાટડી તાલુકાના ગ્રામરક્ષકદળના ઉમેદવારો માટે શારિરીક કસોટી ગુરૂવારે સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લેવાઈ હતી. જેમાં ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં લાગવગશાહી કરાતી હોવાની રજૂઆત સાથે હોબાળો કર્યો હતો.

આ રીતે કરાયું નિયમનું ઉલ્લંઘન
પાટડી તાલુકાના માલવણ, ઝીંઝુવાડા, દસાડા તાલુકાના ગ્રામ રક્ષક દળના ઉમેદવારોને તા. રપમીએ બોલાવાયા હતા. પાટડી તાલુકામાં 53 જગ્યાઓ માટે 500થી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાં ગુરૂવારે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભરતી પ્રક્રીયા હાથ ધરાઈ હતી. ત્યારે જીઆરડીની ભરતીમાં શારીરીક કસોટી માટે 1600 મીટરની દોડ ઉમેદવારોએ 9 મીનીટમાં પુરી કરવાની હોય છે. જેમાં 400 મીટરની દોડ ચાર વાર લગાવવામાં આવી હતી. અમુક ઉમેદવારોએ 4 વારના બદલે ત્રણ વાર જ દોડ કરી હોવા છતાં તેઓને સિલેકટ કરાયા હતા. જયારે અમુક ઉમેદવારો ચાર વાર દોડયા હોવા છતાં તેઓને રીજેકટ કરી દેવાયા હતા. આથી રીજેકટ થયેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. અને ભરતી પ્રક્રિયામાં લાગવગ શાહી ચલાવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભરતી પ્રક્રિયા બીજીવાર યોજાય તેવી માંગ ઉમેદવારોએ કરી હતી.

જે ઉમેદવારો 9 મીનીટમાં દોડી શકયા નથી તેઓને બહાર કરાયા હતા
આ અંગે જીઆરડી ભરતીના ઈન્ચાર્જ પીએસઆઈ પી.એચ.જાડેજાએ જણાવ્યુ કે, જીઆરડીના ઉમેદવારોની 1600 મીટર દોડની શારીરીક કસોટી લેવાઈ હતી. જેમાં 9 મીનીટમાં 1600 મીટર દોડ પુરી કરવાની હતી. જે ઉમેદવારો 9 મીનીટમાં દોડી શકયા નથી તેઓને બહાર કરાયા હતા.
ઉમેદવારોએ ઠાલવ્યો રોષ
જ્યારે ભરતીની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી ત્યારે શારિરીક ફિટનેસને લઈને ઉમેદવારોએ રોષ ઠાલવ્યો હતો. 25 નવેમ્બરે તેઓએ આપેલી દોડની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો દાવો પણ તેઓએ કર્યો હતો. જેને લઈને જીઆરડી ભરતીના ઈન્ચાર્જ પીએસઆઈ પી.એચ.જાડેજાએ પણ ખાસ નિવેદન આપ્યું છે. આ સાથે જે ઉમેદવારો દોડની પરીક્ષામાં ફેલ રહ્યા છે તેઓને બહાર કરી દેવાયા છે.
ઓક્ટોબરમાં ભરાયા હતા ફોર્મ
ગ્રામરક્ષકદળની ભરતી માટેના ફોર્મ ઓક્ટોબરમાં ભરાયા હતા. આ સમયે ખૂબ જ લાઈનો પણ લાગી હોવાની માહિતિ સામે આવી હતી. આ પછી જો ભરતી સમયે લાગવગનો ઉપયોગ કરીને સિલેક્શન કરવામાં આવે તો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.