દુષ્કર્મ કરનાર બે વ્યક્તિ કોણ હતા તે મોટો સવાલ?
સુરત રેલવે સ્ટેશન પર દીકરીનો પીછો કરનાર કોણ : પીડાતાની માતા
નવસારીની યુવતી જોડે વડોદરામાં દુષ્કર્મ થયું અને ત્યાર બાદ તેના અપમૃત્યુને લઈ રાજ્યભરમાં આ મામલો ચર્ચાની એરણે ચડ્યો છે. ત્યારે યુવતી જે સંસ્થા જોડે જોડાયેલી હતી. તે સંસ્થા પણ શંકાના ઘેરામાં આવી ચૂકી છે. સંસ્થા ઉપર સવાલો થઈ રહ્યાં છે. પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પરંતુ પોલીસ હજી સંદિગ્ધ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ત્યારે પીડિતા યુવતીની માતાએ સંદેશ ન્યૂઝના માધ્યમથી ગંભીર સવાલો ઉઠાવી ફરી એકવાર સંસ્થા ઉપર આક્ષેપો કર્યા છે.
મહત્વપૂર્ણ કામગીરી સામે અણગમા સાથે અસંતોષ
નવસારીની યુવતી ઉપર થયેલ દુષ્કર્મ મામલે પોલીસ તપાસ તેજ બનતા SIT ની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસનો દોર આગળ વધતા પોલીસે પીડિતા યુવતીની સાયકલ શોધી કાઢવા સહિત વોચમેન અને ઇમરાન નામના વ્યક્તિની અટક કરી છે. આ મામલે પીડિતા યુવતીની માતાએ ફરી એકવાર પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યા વગર કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તેમણે ઓએસીસ સંસ્થાના કર્તાહર્તાઓએ આપતકાલીન પરિસ્થિતિમાં કરવી જોઈતી મહત્વપૂર્ણ કામગીરી સામે અણગમા સાથે અસંતોષ વ્યક્ત કર્યો છે.
સંસ્થાની નોંધણી રદ્દ થવા સુધીના મુદ્દે ચર્ચાઓ શરૂ
પીડિતા યુવતીની માતાએ સંદેશ ન્યૂઝ સામે કરેલા ખુલાસા મુજબ પોલીસ તપાસ આગળ તો વધી છે. પરંતુ વેકસીન ગ્રાઉન્ડ ઉપર દીકરી જોડે દુષ્કર્મ કરનાર બે ઈસમો કોણ હતા.? તથા સુરત રેલવે સ્ટેશન ઉપર યુવતીની પાછળ દોડી રહેલો ઇસમ કોણ હતો.? તે મુદ્દે હજી સુધી કોઈ ખુલાસો પોલીસે કર્યો નથી. બીજી તરફ જ્યારે સંસ્થાની કાર્ય પદ્ધતિ સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. સંસ્થાની નોંધણી રદ્દ થવા સુધીના મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે.
આજ બાબતે તેમનું બ્રેઇન વોશ થયું
ત્યારે સંસ્થા જોડે જોડાયેલા લોકો તેમનું બ્રેઇન વોશ નથી થયું તેવા નિવેદનો કરી રહ્યાં છે. અને મૃતક પીડિતા જે તેમની મિત્ર હતી. તેમની જોડે રહેતી હતી. તેના માટે કંઈ પણ બોલવા તૈયાર નથી. પરંતુ આજ બાબત તેમનું બ્રેઇન વોશ થયું છે તેનો પુરાવો છે. તેઓ શીખવાડેલું બોલી રહ્યાં છે. તેવો સીધો આક્ષેપ પીડિતા યુવતીની માતાએ કર્યો છે.
મર્ડર થયું છે? તેને લઈ રહસ્યના વમળો સર્જાયા
વદોડરાની સંસ્થા સાથે સંકળાયેલી બીએની વિદ્યાર્થિનીએ ખરેખર આપઘાત કર્યો છે કે તેનું મર્ડર થયું છે? તેને લઈ રહસ્યના વમળો સર્જાયા છે. કારણ કે, ટ્રેનમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો, તેના ગણતરીના કલાકો પહેલા જ તેણે મેન્ટર શૈલેષ અને બહેનપણી વૈષ્ણવીને મેસેજ કરી કોઈ અજાણ્યા માણસો તેને મારી નાંખવા પીછો કરતાં હોવાનો મેસેજ કર્યો હતો. આ સિવાય એવી અનેક કડીઓ છે કે જે યુવતી સાથે અનિચ્છનીય બનાવ બન્યો હોવાની દિશા અંગૂલુનિર્દેશ કરી રહ્યા છે. સૌપ્રથમ તો આપઘાત છે કે હત્યા એ હજી સ્પષ્ટ થતું નથી. જો આપઘાત કર્યો હતો તો ગળામાં દેખાતો ડુપાટામાં ગરદનના ભાગે ગાંઠ મારેલું કેમ નથી દેખાઈ રહ્યો, કેમ ગળે ફાંસો ખાધો છે તો દુપટ્ટામાં ગાડીયો કેમ નથી બનાવમાં આવ્યો, આ કેવી રીતે લટકીને મરી ગઇ હતી એક સવાલ બની ગયો છે.
