શહેરમાં સ્વચ્છતા માટે પ્રજા જાગૃત નથી
ગમે ત્યાં કચરો ફેંકવાની આદત ખરાબ
શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી પ્રજાની પણ છે
ગત વર્ષે સ્વચ્છતા સર્વક્ષણમાં અમદાવાદ 7માં ક્રમે હતું, પરંતુ સ્વચ્છતાં જાળવી રાખવામાં શહેરીજનો સાવ નિરસ જોવા મળી રહ્યા છે. સ્વચ્છતા હોય તેવી જાહેર જગ્યાએ પણ શહેરીજનો ગંદકી કરતાં હોવાથી સ્વચ્છતાના રેન્કિંગમાં શહેર પાછળ ધકેલાયું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં તો ખાસ કરીને નાગરિકોનો સહયોગ જ મળતો ન હોવાથી અનેક જગ્યાએ ગંદકીના ગંજ જોવા મળે છે.
કચરો ફેંકવા જેવી આદતો અમદાવાદીઓએ સુધારવાની જરૂર
શહેરને સ્વચ્છ રાખવામાં પણ નિરસતા દાખવતાં શહેરીજનો હવે જાગ્રૂત બને તો શહેર પાછું સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે આવી શકે છે. શહેરના પૂર્વ વિસ્તારનાં નરોડાથી નારોલ, કોટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા નિયમિત સાફ સફાઇ કરવામાં આવે. પરંતુ તેને જાળવી રાખવાનું કામ તો પ્રજાનું છે. પરંતુ બધી બાબતો તંત્ર ઉપર છોડી જવાબદારીમાંથી હાથ ખંખેરીને સ્વચ્છતા જાળવવામાં શહેરીજનો રીતસર ઉદાસીનતા દાખવે છે. કચરાનો ડબ્બો હોવા છતાં જાહેર માર્ગ ઉપર કચરો ફેંકે. ઘરના આંગણે જ ગંદકી હોય તેવી જગ્યાએ સફાઇ કરવાના બદલે તંત્રના સફાઇ કામદારો આવે તેની રાહ જુએ. તેની રાહમાંને રાહમાં ખુદ નાગરીક જ ગંદકી ફેલાવે. પછી સફાઇ કામદાર કામ ના કરતા હોવાનો દાવો કરે. ગમે ત્યાં કચરો ફેંકવા જેવી આદતો અમદાવાદીઓએ સુધારવાની જરૂર છે.
આ લોકો શહેરની સ્વચ્છતાંમાં ઝાંખપ લગાવામાં જવાબદાર
કેમકે શહેરને સ્વચ્છતાનો રેન્ક મળે કે ના મળે ખરેખર શહેરને સ્વચ્છ રાખવાની જેટલી જવાબદારી સરકારી તંત્રની છે, એટલી જ જવાબદારી નાગરિકોની છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવામાં લોકો જે ઢીલી નીતિ અપનાવી રહ્યા છે તે આપણા શહેરને જ નુકસાન પહોચાડશે. એટલે શહેરીજનો આજથી શહેરને સ્વચ્છ રાખવાનો સ્વેચ્છાએ સંકલ્પ લઇને તેને અનુસરે તે જરૂરી છે. પૂર્વમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારો અને ખારીકટ કેનાલમાં થતી ગંદકીએ સ્વચ્છતામાં ઝાંખપ લગાવી છે. પૂર્વ વિસ્તારના પીરાણાંમાં સૌથી મોટો કચરાનો ડુંગરના લીધે પણ આસપાસના વિસ્તારમાં પ્રદૂષણથી લોકો પરેશાન થઇ જાય છે. ઉપરાંત નરોડા, વટવા, ઓઢવ જીઆઇડીસી અને નારોલ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં પણ ઉદ્યોગોના લીધે થતાં ગંદકી અને ખારીકટ કેનાલમાં થતી ગંદકી પણ શહેરની સ્વચ્છતાંમાં ઝાંખપ લગાવામાં જવાબદાર છે.
શહેરીજનોનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ ન લેવો એ પણ મોટું કારણ
અમદાવાદ શહેરને દેશના ટોપટેન સ્વચ્છ શહેરોમાં 10મો ક્રમ મળ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરીજનોના પણ રિવ્યૂ લેવામાં આવે છે. પરંતુ શહેરીજનો આ બાબતમાં ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું પણ એક મોટું કારણ છે. જે વિસ્તાર સ્વચ્છ છે તે વિસ્તારના રહીશોએ સરવેમાં ભાગ લઈ અમદાવાદને પ્રથમ ક્રમે લાવવામાં વોટ આપવો જોઈએ.
ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ સક્રિય બનવા જોઇએ
સ્વચ્છતાં જાળવવા માટે તંત્ર અને શહેરીજનોની સાથે સાથે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ એટલા જ જવાબદાર છે. ઘણી જગ્યાએ ચૂંટાયેલા પ્રતિવનિધિઓ પણ ચૂંટાયા બાદ પ્રજાને કુદરતના ભરોસે છોડીને પ્રજાના હિતના કોઇ કાર્યો કરતાં જ નથી. જેના કારણે પ્રજાને અનેક યાતનોઓનો સામનો કરવો પડે છે. એટલે શહેરને સ્વચ્છ રાખવા ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ સક્રિય થઇને મહત્વનો ભાગ ભજવે તે સમયની માગ છે.