ધોળકા પાસે ઇકો-ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત, 5ના ઘટનાસ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયા.
ધોળકાના વારણા પાસે ગમખ્વાર અકસ્માત
ઇકો કારના કૂરચે કૂરચા ઉડી ગયા, 4થી વધુ ઘાયલ
મૃતક તમામ લોકો ખંભાતના રહેવાસી
અમદાવાદ જીલ્લાના નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે આજે ધોળકાના વારણા ગામ પાસે વહેલી સવારે કાર અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂં ઉડી ગયા હતા. જ્યારે ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કોઠ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇકો કારના કૂરચે કૂચરા ઉડી ગયા હતા તેના પરથી જાણી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે. વટામણ ભાવનગર હાઇવે પર આવેલા વારના ગામ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. ઇકો કારમાં સવાર તમામ લોકોના મોતને ભેટ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતક તમામ ખંભાતના રહેવાસી હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને ખંભાતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં.