ફાયર બ્રિગેડની ટીમને ઓઢવ, મોટેરા અને પ્રેમ દરવાજામાં ફાયરના મેજર કોલ મળ્યા
અમદાવાદમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળી દિવસે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં 24 કલાકમાં જ ફાયર વિભાગની ટીમને 78 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં 3 મેજર ફાયરના કોલ આવ્યા હતા.
દિવાળીની રાત્રે ફાયરના 56 કોલ મળ્યા
અમદાવાદના ફાયર વિભાગના ડેટા મુજબ, દિવાળી દિવસે અમદાવાદ શહેરમાં આગ લાગવાની કુલ 78 જેટલી ઘટનાઓ બની હતી. ફાયર વિભાગની ટીમને સવારે 6થી રાતના 10 વાગ્યા સુધીમાં ફાયર વિભાગને 22 કોલ મળ્યા હતા. જોકે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં વધુ 56 કોલ મળીને 24 કલાકમાં જ 78 સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા હતા.
16 સ્થળોએ મકાનોમાં આગ લાગી
આ આગના બનાવોમાં 16 સ્થળોએ મકાનમાં આગ લાગી હતી. જ્યારે 59 સ્થળોએ કચરામાં આગ લાગવાના કોલ ફાયર વિભાગની ટીમને મળ્યા હતા. આ સાથે જ મેજર આગ લાગવાના બનાવ બન્યા હોય તેવા 3 કોલ આવ્યા હતા. મોટેરા દબાણ ગોડાઉન ખાતે આગ લાગતા ફાયરની 8 ગાડીઓ, ઓઢવમાં જય કેમિકલ ખાતે 4 ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા 8 ગાડીઓ પહોંચી હતી.