દીપોત્સવી પર્વ વેળાએ રમા એકાદશીનું ખાસ મહત્ત્વ
રમા એકાદશીએ મહાલક્ષ્મીની આરાધના દિવાળીના મુખ્ય પર્વોનો આરંભ
સોમવારે બપોરે 1.22 વાગ્યા સુધી એકાદશી ત્યારબાદ બારસ શરૃ થશે
દીપોત્સવી પર્વ વેળાએ રમા એકાદશીનું પણ ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે, કારણ કે રમા એકાદશીએ મહાલક્ષ્મીની આરાધના સાથે જ દિવાળીના મુખ્ય પર્વોનો આરંભ થાય છે. ભારતના ઉત્તરના રાજ્યમાં દિવાળી પર્વને મુખ્ય ત્રણ દિવસનો ઉત્સવ માનવામાં આવે છે. ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળીની સાથે પર્વની રોનક ઘટી જાય છે.
જ્યારે દક્ષિણનાં રાજ્યોમાં રમા એકાદશીથી બાઇબીજ સુધી પર્વની ઝાકમઝોળ જોવા મળે છે. તેમાં પણ ગુજરાત અને મહારાષ્ટ્ર એ બન્ને રાજ્યોમાં નૂતન વર્ષ અને ભાઇ બીજની ર્ધાિમક-સામાજિક પરંપરાને આધીન ઉજવણી કરવામાં આવે છે. રમા એકાદશીએ અગિયારસના ઉપવાસ સાથે જ પંચરાત્રી વ્રતનો આરંભ થાય છે.
પંચરાત્રી વ્રત દિવાળી સુધી ચાલે છે અને તે મહાલક્ષ્મીની આરાધના માટેનો વિશેષ અવસર ગણવામાં આવે છે. પાંચ દિવસના વ્રત બાદ દિવાળીના દિવસે હવન સાથે પંચરાત્રી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. સોમવારે બપોરે 1.22 વાગ્યા સુધી એકાદશીની તિથિ છે. ત્યારબાદ બારસ શરૃ થાય છે અને બારસ મંગળવારે બપોરે 11.31 સુધી રહે છે. આ સ્થિતિમાં વાઘબારસની ઉજવણીને લઇ મતમતાંતર જોવા મળી રહ્યા છે.
