વિસનગર તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં આવેલી જગ્યામાં સીડીપીઓ ઓફીસ બનાવવા વર્કઓર્ડર અપાયો છે ત્યારે ડીવાયએસપી ઓફીસ બનાવવા માપણી કરવામાં આવતા તાલુકા પંચાયત તંત્ર દોડતું થયું હતું. આ જગ્યામાં તાલુકા પંચાયત ભવન બનાવવા પણ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ડીવાયએસપી ઓફીસ બનાવવાના કલેક્ટરના હુકમથી સરકારના આ વિભાગોમાં જગ્યા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વિસનગર તાલુકા પંચાયતનું મકાન જર્જરીત હાલતમાં છે. તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં તાલુકા પંચાયત ઓફીસના મકાન પાછળ મોટી જગ્યા આવેલી છે. ત્યાં નવીન મકાન બનાવવા અગાઉ ઠરાવ કરવામાં આવ્યો હતો જેની કાર્યવાહી ચાલુ છે. એવામાં ડીવાય.એસ.પી. વાઘેલા, વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી. પટેલ સહિતનો સ્ટાફ આવી જગ્યાની માપણી કરવા તાલુકા પંચાયત તંત્ર હરકતમાં આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જગ્યામાં ડીવાય.એસ.પી. ઓફીસ તથા ક્વાર્ટસના મકાનોના બાંધકામ માટે માપણી કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયત ભવન બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ડી.વાય.એસ.પી. ઓફીસ માટે માપણી કરતા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, ટીડીઓ દોડતા થયા હતા. પોલીસ અધિકારીઓ પાસે જગ્યા ફાળવણીનો ઓર્ડર માગતા ઓર્ડર કોપી આપી નહોતી. ત્યારે પંચાયત પ્રમુખ ટીડીઓ સીટી સર્વે ઓફિસના જઈ તપાસ કરતા કલેક્ટરે આ જગ્યા ફાળવી હોવાનો ઓર્ડર જોવા મળ્યો હતો.
નવાઈની બાબત છે કે આ જગ્યા સીડીપીઓ ઓફીસને ફાળવવામાં આવી છે. સીડીપીઓ (આઈ.સી.ડી.એસ.) ઓફીસ બનાવવા જમીનનો સોઈલ ટેસ્ટ કરવાની પણ કાર્યવાહી થઈ છે. સીડીપીઓ ઓફીસ બનાવવા ટેન્ડર પણ પડી ગયું છે જેનો વર્કઓર્ડર પણ અપાઈ ચુક્યો છે ત્યારે ડીવાય.એસ.પી. ઓફીસ માટે કલેક્ટરે જગ્યા ફાળવતા ભારે વિવાદ થયો છે. આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ જગ્યા સીડીપીઓ ઓફીસ માટે ફાળવાઈ છે અને ઓફીસ બનાવવા વર્કઓર્ડર પણ આપવામાં આવ્યો છે ત્યારે ડીવાય.એસ.પી. ઓફીસ માટે જગ્યા ફાળવવાનો વર્કઓર્ડર કરાયો તે નવાઈની વાત છે. ડીવાય.એસ.પી. ઓફીસ માટે કલેક્ટરના ઓર્ડર સામે સ્ટે લેવા હાઈકોર્ટમાં જવાનું પણ પ્રમુખે જણાવ્યું છે.
આ સંદર્ભે ડીવાય.એસ.પી. વાઘેલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ડીવાય.એસ.પી. ઓફીસ અને ક્વાર્ટસના મકાન માટે કલેક્ટરે ઓર્ડર કરતા જગ્યાની માપણી કરવામાં આવી છે.
વિસનગર ડીવાયએસપી આફિસ માટે તા.પં.ની જગ્યા ફાળવાતા વિવાદ
Views 77