માસૂમો પર કુદરતનો વજ્રઘાત: સુરતમાં માતાના મૃત્યુ સાથે જ ત્રણ ભાઈ-બહેન વિખૂટાં પડ્યાં

Views 57

પતિ સગર્ભાવસ્થામાં છોડી જતાં પત્નીએ સંતાનોની જવાબદારી ઉપાડી હતી
માતાના મૃત્યુ સાથે જ ત્રણ ભાઈ-બહેન વિખૂટાં પડયાં
માતાના મૃત્યુ બાદ નવજાત હોસ્પિટલમાં, ભાઈ શિશુગૃહ તો બહેન આશ્રામમાં પહોંચી


‘હમ દો, હમારે દો’ એવા સુખી પરિવારનો મોભી અચાનક સગર્ભા પત્નીને બે સંતાનો સાથે તરછોડી જતો રહે છે. ત્યારબાદ બાળકોની જવાબદારી ઉપાડી તેમના ભરણપોષણ માટે રાત-દિન કાળી મજૂરી કરતી સગર્ભાને અચાનક અધૂરા માસે પ્રસૂતિની પીડા ઉપડે છે અને ફલ જેવી બાળકીને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં જ નવજાત અને બીજા બે સંતાનોને નસીબના ભરોસે છોડી માતા ફાની દુનિયાને અલવિદા કહી દે છે.
પિતાની અનુપસ્થિતિ અને માતાના મૃત્યુ બાદ નોંધારા બનેલા ભાઈ-બહેનોને જીવનની મઝધારે વિખૂટા પડવાનો વારો આવે છે. આ કોઈ રિલ લાઈફની નહીં પણ રીઅલ લાઈફની સ્ટોરી છે. લસકાણા ડાયમંડનગરના બિહારી પરિવારના માસૂમ બાળકોથી જાણે કુદરત રિસાઈ ગઈ હોય તેમ પિતા તરછોડી ગયા બાદ માતાનું પણ મોત થતાં બાળકો માટે પરિસ્થિતિ વજ્રઘાત સમાન હતી.
મૂળ બિહારની વતની રંજનદેવી કનૈયાલાલ સિંહ (ઉં.વ. 30) પતિ અને 12 વર્ષીય પુત્રી તથા 10 વર્ષીય પુત્ર સાથે લસકાણા સ્થિત ડાયમંડનગરમાં રહેતી હતી. રંજનદેવીને સારા દિવસો ચાલી રહ્યા હતા. દરમિયાન કોઈ અકળ કારણસર પતિ કનૈયાલાલ ચાર માસ અગાઉ આખા પરિવારને તરછોડી ગયો હતો.
જોકે, કનૈયાલાલનો પરિવારને તરછોડી જવાનો આઘાત જીરવી રંજનદેવીએ આખા પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી, અને રાત-દિન કાળી મજૂરી કરી સંતાનોનું ભરણપોષણ શરૂ કરી દીધું હતું, પરંતુ કુદરત રંજનદેવીના માસૂમ સંતાનોની કસોટી લેવા માંગતી હોય તેમ શનિવારે બપોરે સગર્ભાવસ્થાના આઠમા મહિને તેણીને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. રંજનદેવીને પડોશીઓની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીએ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો હતો.
જોકે, ગણતરીના સમયમાં સ્મીમેરના બિછાને રંજનદેવીએ અંતિમ શ્વાસ લેતા નવજાતે જન્મતાની સાથે અને મોટા સંતાનોએ અકાળે માતાની છત્રછાયા ગુમાવી હતી. માસૂમોની આ અવસ્થા જોઈ મૃતક મહિલાની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવા આવેલી પોલીસનું હૃદય પણ દ્રવી ઊઠયું હતું.
પોલીસે બાળકો અને મૃતદેહ વતન મોકલાવવાની તૈયારી બતાવી, પણ…
આ મામલે તપાસકર્તા સરથાણા પોલીસ મથકના પીએસઆઈ એચ. એલ. જેબલીયાએ જણાવ્યું હતું કે, નવજાત બાળકી સહિતના ત્રણેય બાળકોનું હાલ સુરતમાં કોઈ સ્વજન નથી, જેથી આ બાળકોને બિહારમાં રહેતા તેમના સ્વજનો સુધી પહોંચાડવા પોલીસે પ્રયાય કર્યો હતો. મૃતક રંજનદેવીની બહેનનો પોલીસે સંપર્ક કર્યો હતો. પોલીસે તેણીને સુરત આવવા અને સુરતથી પરત બિહાર જવાની ટિકિટના પૈસા તથા સુરતથી બાળકોને તથા રંજનદેવીના મૃતદેહને વતન લઈ જવા માટેની એમ્બ્યુલન્સના ભાડાના રૂપિયા આપવા સુધીની તૈયારી બતાવી હતી, પરંતુ શરૂમાં સુરત આવવા માટે તૈયાર રંજનદેવીની બહેને બાદમા ઇન્કાર કરી લીધો હતો. જેને પગલે માસૂમોને એકબીજાથી વિખૂટા પડવાનો વારો આવ્યો છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *