પત્ની, સાસુ અને સસરા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
ઊંઝા તાલુકાના અમૂઢ ગામના જયદેવજી ઠાકોર નામના યુવકે પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. જે અંગે મૃતકના પિતા બાબુજી ઠાકોરે ઊંઝા પોલીસ સ્ટેશનમાં હાલ કાંકરેજના બુકોલી ગામે રહેતી પત્ની પૂનમબેન જયદેવજી ઠાકોર, સસરા ગેનાજી પ્રધાનજી સોલંકી (ઠાકોર) અને સાસુ સૂર્યાબેન ગેનાજી સોલંકી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.
અમૂઢ ગામે ડેરીયા ઠાકોરપરામાં રહેતા જયદેવજી બાબુજી ઠાકોરે ગત રવિવારે રાત્રે પોતાના રહેણાંકના મકાનમાં સાડીથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે અંગે મૃતક જયદેવના પિતાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના દીકરા જયદેવજીના સાસુ અને સસરા પત્ની પૂનમબેનને ચઢામણી કરી સાતેક વર્ષથી અલગ-અલગ માંગણીઓ તથા બહાના કાઢી પિયર રાખતાં હોઇ ઝઘડા થતા હતા.
બંને પક્ષે સગાસંબંધીઓને તેડી લાવી સમાધાન કરવા છતાં મૃતકની પત્ની થોડા દિવસ રહી ભેંસો લાવો તો હું ઘર કરીને રહું અને પૈસા આપો તો મોકલી એ તેવા બહાના કાઢી વારે ઘડીએ પિયર જતી રહેતી હતી. જ્યારે છેલ્લા અઠવાડિયામાં 3 દિવસ માટે મૃતકના ઘરે રહેવા આવી બેંકના ખાતામાંથી પોતાના ખાતામાં રૂ.10 હજાર મૂકાવી સિલાઇ મશીન અને છોકરા માટે સાયકલ લેવડાવી દીકરા સાથે પિયર જતી રહી હતી. આથી જયદેવજીએ આપઘાત કર્યો હતો. જેની ફરિયાદ નોંધાતાં ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી છે. .